Thursday 23 March 2017

આગામી ચાર વર્ષમાં પાસ થયેલા CAના વિદ્યાર્થીઓ જીએસટીના જ્ઞાનથી વંચિત હશે

દેશમાં એકમાત્ર કોર્સમાં ટેક્સેશન (કરવેરા) શીખવવામાં આવે છે. તે કોર્સ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. કોર્સના માળખા અનુસાર મુખ્ય પ્રાધાન્ય એકાઉન્ટિંગ, ઓડિટ અને ઇન્કમ ટેક્સને આપવામાં આવે છે. વિદ્યાર્થીએ CA બનવા માટે મુખ્યત્વે બે પરીક્ષા પાસ કરવી પડે છે - ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પીટેન્સ કોર્સ (IPCC) અને ફાઇનલની પરીક્ષા. IPCCમાં 50 માર્ક્સનું પેપર હોય છે જેમાં સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અને સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સ સમાવિષ્ટ છે. અંતિમ પરીક્ષામાં 100 માર્ક્સનું પેપર હોય છે જેમાં સર્વિસ ટેક્સ, કસ્ટમ્સ તેમજ સેન્ટ્રલ એક્સાઇઝ (CenVAT) જેવા વિષયો અાવરી લેવાય છે. IPCC પાસ કરેલા વિદ્યાર્થીએ ત્રણ વર્ષની આર્ટિકલશિપની તાલીમ લેવી પડે છે. ત્રણ વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ ફાઇનલ પરીક્ષા માટે લાયક બને છે

GSTના આગમનથી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સ, સર્વિસ ટેક્સમાં સખત ફેરફારો થશે અને CenVATમાં પણ મામૂલી પરિવર્તન જોવા મળશે. મે 2017માં યોજાનારી IPCCની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જો કે જૂના કરવેરાના માળખાની પરીક્ષા આપશે.

ત્રણ વર્ષ દરમિયાન સીએ ભણતા વિદ્યાર્થીઓની વધુ છ બેચ સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરશે, જો કે તેઓએ પણ જૂના કરવેરાના માળખાનો અભ્યાસ કર્યો હશે. CenVATમાં ગૌણ પરિવર્તન આવશે - જો કે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, સ્ટેટ વેટ અને સર્વિસ ટેક્સમાં ધરખમ ફેરફારો જોવા મળશે. દર વર્ષે આવકવેરાના કાયદામાં ફેરફારો થાય છે જો કે ફેરફારો મામૂલી હોવાથી  તે ખાસ મહત્વ નથી રાખતું. જો કે GST મહત્વપૂર્ણ પરિવર્તન હોવાથી CA વિદ્યાર્થીઓ તેના ક્લાઇન્ટને મદદ કરી શકે તે માટે તેઓએ GSTના સંપૂર્ણ અધિનિયમનો અભ્યાસ કરવો પડશે.  

ગત IPCC પરીક્ષામાં અપ્રત્યક્ષ કરોનું પેપર આવરી લેતા ગ્રૂપમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી 30 ટકા હતી. પરીક્ષા આપનારા 62,000 વિદ્યાર્થીઓમાંથી 19,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એવી ધારણા કરીએ તો આ વર્ષે પણ એટલા જ પ્રમાણમાં વિદ્યાર્થીઓ પાસ થશે. તેથી ત્રણ વર્ષ બાદ ફાઇનલની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 40,000 હશે. જો કે તેઓનું તે ભણતર પણ જૂનું થઇ ચૂક્યું હશે

દેશમાં લાયકાત ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંખ્યા 1.72 લાખ છે. તેમાંથી જે સીએ તેના નિયોકતાઓને અથવા ક્લાઇન્ટને ટેક્સેશનની બાબતમાં મદદ કરતા હશે તેઓએ જીએસટી પર તાલિમ લેવી પડશે.

વર્તમાન સમયમાં અપ્રત્યક્ષ કરોના ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરતા દરેક સીએ પ્રોફેશનલ્સ માટે સરકારે જીએસટીના ટૂંકા કોર્સની રચના કરવી જોઇએ. હાલમાં એવા અનેક સલાહકાર છે જે નાની કંપનીઓને મદદ કરે છે પણ તેઓ લાયકાત કે પાત્રતા ધરાવતા સીએ નથી. દેશભરમાં તેમજ દરેક કદની કંપનીઓમાં જીએસટીના સરળતાપૂર્વક અમલીકરણ માટે આપણે આ સલાહકારોને તાલીમ આપવાની જરૂરિયાત રહેશે.

જ્યાં સુધી ICAIતેના ફાઇનલ CA અભ્યાસક્રમમાં ફેરફાર કરીને તેમાં જીએસટી સામેલ નહીં કરે ત્યાં સુધી આગામી ચાર વર્ષમાં એકપણ સીએ તેના અભ્યાસક્રમના ભાગરૂપે જીએસટી ભણ્યો હોય તેવો જોવા નહીં મળે. તેથી મોટા પ્રમાણમાં જનસંખ્યાને સહન કરવાનો વારો ના આવે તે માટે સરકારે જીએસટીના મહત્વને સમજાવવા તેમજ તેની માહિતીનો પ્રસાર કરવા માટે જરૂરી એવી વ્યવસ્થા કરવી જોઇએ.