પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ ચાર મહત્વના ઉદ્દેશો સાથે ડિમોનેટાઇઝેશન ઝુંબેશની શરૂઆત કરી છે. - નકલી નોટ્સ, આતંકવાદ, કાળું નાણું અને ભ્રષ્ટાચાર. દેશના 86 ટકા ચલણને બદલાવવાની
આ પ્રક્રિયા શું ખરા અર્થમાં સફળ છે કે પછી માત્ર નિષ્ફળતા? ચાલો કેટલાક સવાલો પૂછીએ.
નકલી નોટ્સ એવી નોટ્સ
છે કે જે ભારતમાં હતી અને કથિત રીતે તે પાકિસ્તાનમાં પ્રિન્ટ થતી હતી. માર્કેટમાં ફરતી આ નકલી નોટ્સનો
સૌથી મહત્વનો ભાગ એ હતો કે તેને શોધી કાઢવાનું કામ કઠિન હતું. તેથી નવી નોટ્સને એ રીતે
પ્રિન્ટ કરવામાં આવી કે તેને શોધવાનું કામ સહેલું બને તેમજ તેને છાપવી અઘરી બને. નવી નોટ્સ નકલી મળી હોય તેવો
આજ સુધી એક પણ કિસ્સો પ્રકાશમાં નથી આવ્યો. આ ચલણી નોટ્સને બનાવટી બનાવવા માટે નજીવા પ્રયાસો કરાયા હતા જો કે તે નાના પાયે
હોવાથી તેનો પત્તો લગાવવામાં સફળતા મળી હતી. આગામી વર્ષોમાં આપણે જાણી શકીશું કે પાકિસ્તાનના મુદ્રણાલય પત્તો ના લાગી શકે
તેવી નવી ચલણી નોટ્સનું ઉત્પાદન કરી શકશે કે કેમ?
આતંકવાદની પ્રવૃત્તિઓનું
સંચાલન નકલી નોટ્સના ફંડ દ્વારા થાય છે અને એવી અપેક્ષા હતી કે તેનાથી આતંકવાદના દૂષણમાં
ઝડપી ગતિએ ઘટાડો થશે. જો કે, આતંકવાદીઓ વિશે આગાહી
કરવી શક્ય નથી. આપણી પાસે આતંકી હુમલાની
પેટર્ન ના હોવાથી દેશમાં આતંકવાદમાં વધારો કે ઘટાડો થયો છે તેના વિશે કહી શકાય નહીં. ઉદાહરણ તરીકે 9 જાન્યુઆરી 2017ના રોજ થયેલા હુમલામાં 3 લોકો માર્યા ગયા હતા તેમજ
ભારે સશસ્ત્ર સાથેના આતંકીને ઠાર કરાયો હતો. ડિમોનેટાઇઝેશનને સપોર્ટ કરતા લોકો કહેશે કે 10 હુમલાની યોજના હતી પણ નકલી
નોટ્સની અછતને કારણે માત્ર એક હુમલો શક્ય બન્યો હતો. તેનો વિરોધ કરતા લોકો કહે છે કે આતંકવાદ અંકુશમાં નથી. જો તેમા ઘટાડો થાય તો પણ
આતંકવાદીઓ કોઇ મોટા હુમલાની તૈયારી કરે છે તેવી લોકો દલીલ કરી શકે છે. તેથી ડિમોનેટાઇઝેશનથી હકીકતમાં
આતંકવાદ પર અસર થઇ છે તેવું કહેવું અઘરું છે.
કાળું નાણું ભારતીય
અર્થતંત્રની સૌથી મોટી સમસ્યા હતી. બધુ જ નાણું બેન્કમાં જમા
કરાવવાનું હોવાથી એવી ધારણા હતી કે જેટલું કાળું નાણું હતું તેને બેન્કમાં જાહેર કરવું
અઘરું બનશે. આ લેખને લખવા સુધીના
સમયમાં આરબીઆઇએ બેન્કમાં કુલ જમા થયેલા નાણાં અંગેની માહિતી હજુ સુધી જાહેર નથી કરી. આયકર વિભાગે અનેક જગ્યાએ
દરોડા પાડીને નવી નોટ્સ સાથેની રોકડ પકડી પાડી હતી. તેથી સવાલ એ થાય છે કે કાળું નાણું ઘટ્યું છે કે પછી યથાસ્થિતિમાં
જ છે? આઇટીના દરોડાથી 100 ટકા કાળું નાણું જપ્ત થયું
છે તે સાબિત ના કરી શકાય. તપાસ અને જપ્તીના કેસમાં વધારો થયો
હોવાનો અાયકર વિભાગ દાવો કરતી હોવા છતાં તેનાથી કાળા નાણાંનું દૂષણ અોછું થયું છે? તે મોટો સવાલ છે. પણ રિયલ એસ્ટેટમાં મંદીએ
એક સંકેત છે. રિયલ એસ્ટેટમાં સૌથી
વધુ પ્રમાણમાં કાળા નાણાંનો ઉપયોગ થયો હતો. કિંમતોમાં ઘટાડો અને સોદાની સંખ્યા આશા આપે છે કે માર્કેટમાં કાળા નાણાંનું
દૂષણ ઓછું થયું છે.
ભ્રષ્ટાચાર એવી વસ્તુ
છે જેની માત્રા જાણવી મુશ્કેલ છે. વધારે ચુકવણી માટે સોનું નવી રોકડ બની ચૂકી છે અને નાની લાંચ માટે રૂ.2000ની નોટ સરળતાથી ઉપલબ્ધ છે. આપણી પાસે અગાઉના ભ્રષ્ટાચારના
આંકડાઓનો રેકોર્ડ પણ નથી અને હાલના ભ્રષ્ટ અધિકારીઓની કુલ સંખ્યાનો પણ રેકોર્ડ ઉપલબ્ધ
નથી.
ડિમોનેટાઇઝેશન ખરા
અર્થમાં નિષ્ફળ રહ્યું છે કે પછી સફળ તેનું ચોક્કસ મુલ્યાંકન કરતા હજુ પણ કેટલાક વર્ષનો
સમય લાગશે.
No comments:
Post a Comment