Tuesday, 31 January 2017

ટેક્સ બેઝ વધારવા માટે આયકર વિભાગને ઉત્તમ માળખાની જરૂરીયાત

તાજેતરમાં સરકારે ઇન્કમટેક્સનો ટેક્સ બેઝ વધારવાનો નિર્ણય લીધો છે કે જે ભારતની કુલ વસ્તીના માત્ર 3 ટકા છે. હકીકતમાં માત્ર 18,358 લોકોએ તેની આવક રૂ.1 કરોડથી વધારે હોવાનું જાહેર કર્યું, એ જ વર્ષમાં એ જ આંકડાની આજુબાજુ કારનું વેચાણ થયું કે જેની કિંમત રૂ.25 લાખથી વધારે હતી.

ટેક્સ બેઝ વધારવા માટે આયકર વિભાગને મોટો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આયકર વિભાગ દર મહિને 25 લાખ કરદાતા ઉમેરવાનો લક્ષ્યાંક ધરાવે છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ 31મી એન્યુયલ કોન્ફરન્સ ઓફ પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ દરમિયાન આ વાતને સ્વીકારતા જણાવ્યું હતું કે ટેક્સ બેઝમાં વધારો કરવાથી પ્રમાણિક કરદાતાઓને ટેક્સમાં કેટલીક રાહત આપવાનો માર્ગ વધુ મોકળો બની શકે છે.

ટેક્સ બેઝને વધારવા માટે વિસ્તરણ આવશ્યક હોવા છતાં આયકર વિભાગના વિસ્તરણ માટે પૂરતા સ્ત્રોતની ફાળવણી નથી કરાઇ તેવો આઇઆરએસના અધિકારીઓનો અભિપ્રાય છે.

ટેક્સ નેટ વધારવા માટે આયકર વિભાગને વધુ કર્મચારીઓ અને ઉત્તમ માળખાની જરૂરીયાત છે. વધુ ટેક્સ બેઝથી પ્રમાણિક કરદાતાઓ પરનું દબાણ ઘટશે કારણ કે મોટા પ્રમાણમાં કરદાતાઓના ઉમેરો થવાથી (વ્યક્તિગત રીતે અથવા બિઝનેસ એન્ટાઇટી) લક્ષ્યાંકો હાંસલ કરી શકાશે.

આઇઆરએસ મેમોરેન્ડમ અનુસાર દેશની જીડીપી વર્ષ 2000-01થી 2013-14 દરમિયાન 5.4 ટકા વધી છે ત્યારે પ્રત્યક્ષ કર સંગ્રહમાં પણ આ સમયગાળા દરમિયાન 9.35 ટકાનો વધારો નોંધાયો છે. જો કે કુલ રેવેન્યુની ટકાવારીની દૃષ્ટિએ ટેક્સ કલેક્શનનો ખર્ચ માત્ર 0.5 ટકા છે. આ ટકાવારી વિશ્વમાં સૌથી નીચા સ્તરે છે. તે એટલા નીચલા સ્તરે છે કે જાણે કે તે ઓટો પાયલોટની જેમ સંચાલિત છે. તેનો અર્થ એ થયો કે તેમાં કોઇ વ્યક્તિઓનો હસ્તક્ષેપ જોવા નથી મળ્યો.

બીજી બાજુ કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ફ્રાન્સ અને જાપાન જેવા વિકસીત દેશોમાં સંગ્રહનો ખર્ચ કુલ સંગ્રહના 1.05 ટકાથી 1.58 ટકા વચ્ચે જોવા મળે છે.

આસિસટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સના ગ્રેડમાં જ 900 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. નિષ્ણાંતો મુજબ અંદાજે 30 ટકા જગ્યાઓ કે પદ ખાલી છે. સંપૂર્ણ રીતે સજ્જ આયકર વિભાગ જે કામ કરી શકે તે કર્મચારીઓની અછત ધરાવતો વિભાગ (અશક્ત) કરી શકે તે શક્ય નથી.

ભારતીય સરકારે સમજવું જોઇએ કે દેશમાં કાનુન અને વ્યવસ્થાને કાબુમાં કરવા માટે ઇન્કમટેક્સ મહત્વનું સાધન છે. જો પ્રત્યક્ષ કરને લગતા અનુપાલનમાં વધારો થાય તો તેનાથી અપ્રત્યક્ષ કર સંગ્રહમાં પણ વૃદ્વિ જોવા મળશે. દાણચોરી કે તેને સંબધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ અાયકર વિભાગના સંકંજામાં આવી શકશે. સરકારે અધિકારીઓને વધુ પડતી સત્તા આપવાના બદલે તેઓને જવાબદાર કામ સોંપવું જોઇએ કે જેનું આંકલન થઇ શકે. તેનાથી ભ્રષ્ટાચાર કરવાની પણ કોઇ તક નહીં મળે. ટેક્સ બેઝને વધારવા માટે દેશમાં કાયદા હોવા છતાં આપણે તે કાયદાનું યોગ્ય અનુપાલન કરીએ તે આવશ્યક છે.

No comments:

Post a Comment